Archive for the ‘લખાણ’ Category

માં એ એક અક્ષરનો શબ્દ છે…ઓછામાં ઘણુંની શરુઆત અહીંથી થાય છે. એક અક્ષરનો આ શબ્દ દુનિયાના કોઈ પણ ખૂણે, કોઈ પણ સંસ્કૃતી, કોઈ પણ ભાષામાં…જીવનાર દરેક મનુષ્ય દ્વારા બોલતા શીખાતો  પહેલો શબ્દ છે.મનુષ્ય જન્મે ત્યારે પહેલા રડે છે ને પછી માં બોલતા શીખે છે..ને બચપણથી શરુ થયેલો આ શીલીશીલો જિંદગી આખી ચાલે છે…માં…એક નવયૌવનામાંથી એક સ્ત્રીને , ખળખળ વહેતી નદીમાંથી  એક  ધીરગંભીર પ્રવાહ બનવાની પ્રક્રિયા છે…માં પરિવારને સંતુલન આપતી ધરી છે…માં નામના આ કેન્દ્રની આસપાસ પરિવાર રચાય છે, આ પરિવારો થકી એક સમાજ રચાય છે…આ માંની તાકાત છે…કેન્દ્ર માંથી માં ને કાઢીલો પછી…સમાજના નામે કઈ ખાસ બચે નહી..

માં ને મેં એક દીકરા તરીકે ને મારા દીકરાઓની માં ને મેં એક બાપ તરીકે સમયની જુદી જુદી બાજુ એ ઉભા રહી નીરખી છે, સમય પ્રમાણે થોડી વિચારધારા બદલાય હશે, શબ્દોના મનોવિજ્ઞાન થોડા અલગ હશે..પણ એ પ્રબળ, નિસ્વાર્થ, અવિરત પ્રેમ કરવાની, જતું કરવાની લાગણીઓ…સાવ એકસરખીને જેનેટિક છે, અને એ વાત દરેક માં માટે સાવ સાચી ને અચળ છે. ભગવાને દરેક સ્ત્રીમાં આ માં નામનો જીન મુક્યો છે અને એટલેજ હજી પણ બે વિશ્વયુદ્ધો પછી માણસજતી અસ્તિત્વમાં છે…

પિતાઓ બાળકોને છત્ર છાયા ને સુરક્ષા પૂરી પાડે છે, ને માં એના સંતાનોને હુંફ, ને જિંદગીને પ્યાર કરતા રહેવાની સમજ આપે છે…પાંચેક વર્ષની ઉંમરે અમારી માં…મોતની બહુ નજીક પહોચી ગઈ હતી, કમળો ને એમાંથી કમળી, ડોકટરે પિતાને સૌ સબંધીઓને બોલાવી લેવા કહ્યું હતું, નાસમજ ઉમર હોવાને કારણે મને ઝાજો ખ્યાલ નહી આવેલો, પરિસ્થિતિની ગમ્ભીરતા નહી સમજાયેલી, મારો નાનો ભાઈ છ મહિનાનો હશે  એને માસીને ત્યાં મોકલી દેવાયેલ, ને હું સ્કુલે થી આવું ને દફતર ફેંકી સીધો માં પાસે જઈ પહોચું, સતત બ્લીડીંગને કારણે એ સાવ અશક્ત હોય ને આંખો પણ માંડ માંડ ખોલે, પણ એનો હાથ મારું માથું પસવારવા જેટલી શક્તિ કોણ જાણે ક્યાંથી મેળવી લેતો…એ હાથ…ને એ હુંફ સામે આજે ૩૭ વર્ષની ઉંમરે અનુભવોના આધારે કહું છું  કે  દુનિયાની કોઈ દોલત કે ખુશી કે  કંઈપણ એની સાથે સરખામણી નહી કરી શકે.

એ અમારા જીવનના નબળા દિવસોમાં મેં મારા કડક ને ઉગ્ર સ્વભાવના ફાધરને મોડી રાતે એકલા એકલા ધ્રુસકે રડતા જોયા છે…માંની જીજીવિષા કહો કે અમારી નિર્દોષ મનોમન કહેવાયેલી પ્રાથર્ના, માં બચી જાય છે, ને પછી વર્ષો સુધી એય ને કળે ધડે અમારા હર તહેવાર પ્રસંગને નજરે જુએ છે, ને માણે છે. નમાયો શબ્દ કોણજાણે એક ખાલીપો ને પોલી અર્થહીનતાનો અહેસાસ કરાવે છે…

મારી પત્નીને અમારા બાળકને જન્મ આપતી જયારે નજરે જોય ત્યારે…અને એ પહેલા ના નવ મહિનાની એની અગવડો ને તકલીફો જોય ત્યારે દુનિયાની દરેક સ્ત્રી માટેનું માન બેવડાય ગયું, જો સ્ત્રી ન હોત તું શું થાત? એક બાળકનો નવ નવ મહિના સુધીનો ભાર, એ એક પડખે સુવાનું, ઉલટીઓ ને છેલ્લે અસહ્ય વેદનાને લોહિયાળ સંઘર્ષ બાદ બાળ જન્મ ને આતો હજી શરુઆત છે, પછી રાત રાત ના ઉજાગરા, બાળકની સાથે સેટ થવાનું, એની ફીડીન્ગની આદતો, ભીના બાળોતિયા, ઠંડી રાતો, રસી મુકાવવી, દાંત આવે, પહેલો બર્થડે, અને એ બધાની વચ્ચે ઘરતો ચલાવવાનું પણ ખરું…માફ કરજો પણ હું નથી માનતો કે દુનિયાના કોઇપણ પુરુષનું આ અનુભવમાંથી પસાર થવાનું ગજું કે હિમ્મત હોય…અમારે ત્યાં સ્ટાફ માં મજાક થતી હતી કે જો મકાન માં આગ લાગે ને એક સ્ત્રીને બાળકો ને પતી વચ્ચે પસંદગી કરવાની હોય તો એ કોની કરે…છ થી સાત ફીમેલ સ્ટાફ મેમ્બરને આ પ્રશ્ન પૂછ્યો ત્યારે બધાનો જવાબ એકજ હતો…બાળકો!!! માં પોતાના સંતન ના જીવ માટે જીવ આપી પણ દે ને લઇ પણ લે! જગદંબા શબ્દ અમથો નથી વપરાયો ને દરેક સ્ત્રી એ જગદંબા છે…એ વાત સ્વીકારનાર સમાજ ને પુરુષ મોટે ભાગે સુખી થાય છે…

ખરાબ લત ધરાવતા પતિ સાથે આયખું વેધારનાર સ્ત્રીને પૂછો કે છુટા છેડા કેમ ના લીધા, તો મોટે ભાગે એનો ઉત્તર હોય છે..આ બાળકોને લીધે…આ સમાજ માં આવા જીવતા દોજખમાં જીવતી ને મૂંગે મોઢે પોતાના બાળકો ખાતર સહન કરતી એ દરેક માં ને સો સો સલામ…કમનસીબે માં ને આપનો સમાજ કોઈ મેડલ નથી આપતો, ને એની ખોટ સમજવા માટે એ ન હોય ત્યાં સુધી રાહ જુવે છે…

પુરુષ જયારે નોકરી કે ધંધામાં વ્યસ્ત હોય  શેર બજારની ઉથલ પાથલ, ને રાતોરાત અમીર બની જવાની  સ્વપ્ન દોડ દોડતો હોય ત્યારે માં એક નાગરિક તૈયાર કરતી હોય છે, જેમ એક માળી પોતાના છોડને પાણી સીંચે, એની માવજત કરે, ટાઢ તડકા, જીવ જંતુ સામે એનું જતન કરે…એમ માં કોઈ જાહેરાત વિના પોતાના બાળક રૂપી છોડમાં સંસ્કાર સીંચતી હોય છે…”તારી માં એ તને એટલું પણ નથી શીખવાડ્યું” ખરાબ વાત છે પણ..માંનું મહત્વ એમાં પણ છે..

બાપ, કે કોઈ પણ જાતિનો નર…આ બાળ ઉછેર નું હુનર ગમે તેટલા પ્રયત્નો છતાય આત્મસાત કરવામાં હમેશા બે ડગલા પાછળ રહે છે…..સમય જતા બાળક દીકરો કે દીકરી મોટા થાય…સમય સમાજ ની હવા લાગે ને પછી એમને એ માં, એના વિચારો, એની ચિંતા કરવાની ટેવ, એની વણમાગી સલાહ આપવાની આદત..આ બધું દેશી ને જુનવાણી લાગે…”તમે કચ કચ બહુ કરો છો” ને “લીવ મી અલોન” ના ટીન એજર છણકાથી ભાગ્યેજ  કોઈ પરિવાર મુક્ત હશે..

સમય સમય નું કામ કરે એ જયારે એ દીકરી પોતે માતા બને કે દીકરો એની પત્નીને માતા બનતી જોવે ત્યારે…અફસોસ ને ગીલ્ટ સો એ સો ટકા મનને ઘેરી વળવાના…સમય વીતી ગયાનો રંજ, પણ માં એ માં હોય છે, એના મનમાં કોઈ ગાંઠ નથી વાળતી..એ તો બસ હસતા હસતા વહે રાખે છે…જેણે બાળકને જન્મ આપ્યો હોય , એ માં માટે કોઈ દુખ મોટું નથી..પણ એ સમજાય એ પહેલા ઘણા લોકો માટે એ ચાલી નીકળી હોય છે….પોતાની પાછળ એક અમીટ છાપ છોડીને..મેં ઘણા દોસ્તો ને આવો અફસોસ કરતા જોયા છે….અને એટલે આજે મધર ડે ના દિવસે..તમને સૌને આ સાંભળ્યા પછી તમારી માં ને મનોમન વંદન કરવા મારી નમ્ર ગુઝારીશ….

મારા માટે સાર્થક, સહજ, સહનશીલ, સમ્વેદનાસભર, બળ આપનાર, જિંદાદિલ, જતું કરનાર  જેવા શબ્દોનો સરવાળો એટલે માં…મધર ડે ના અવસરે દરેક માં ને નત મસ્તક કોટી કોટી વંદન…અને આ દુનિયાને જીવવા લાયક બનાવવા માટે , જીવતી રાખવા માટે…થેંક યુ….

-પાર્થ
છઠ્ઠી મેં ૨૦૧૨
પ્રેસ્ટોન્સ ૨૧૭૦

©Parth Navati 2012

ન્યુયોર્ક….ઠંડી હજી વસંતમાં પણ અટકી છે, ઋતુઓનો હેન્ડ ઓવર…લોસ અન્જ્લેસથી ન્યુયોર્ક જતી ફ્લાઈટમાં એક અજીબ ઘટના બની, વિમાનમાં મારી બાજુ ની સીટમાં બે કોલેજીયન જેવી દેખાતી છોકરીઓ બેઠી હતી, હું છેલ્લે આઈલ સીટમાં હતો  ને વચમાં ને બારી પાસે પેલી બે છોકરીઓ,…બારી પાસેની છોકરીના પગ પાસે એક થેલો, ને વિમાન ઉડયા પછી થોડી થોડી વારે એ બન્ને મને દેખાય નહી તેવી રીતે થેલા સાથે ગડમથલ કરે રાખે, ૯૧૧ ના દેશમાં સાલી મને ચિંતા થઈ, ડીઝનીની ને યુનિવર્સલની રાઈડમાંથઈ હેમ ખેમ, સહી સલામત પસાર થઇ ગયા પણ અહીં આ બે બહેનો કોથળામાંથી બિલાડું  ના કાઢે, મેં ફરી વખત એ બન્ને એમના થેલા પર ઝુકી ત્યારે ધ્યાન થઈ જોયું, તો થેલા માંથી બે ચમકતી આંખો દેખાય…થેલા માં નાનકડું કુતરું હતું ( બિલાડી નહી!!!), છોકરીઓ ડોગીને પાણી પીવરાવતી હતી, બોલો…!! મને ભારે નવાઈ લાગી, મેં ફ્લાઈટ કર્મીને પૂછ્યું તો કહે, હા એલાવ છે ને, ટીકીટ લેવી પડે ને થેલા માં આવી જાય એવડું હોવું જોયએ…મને કૂતરાની દયા આવી ગઈ, છ કલાક, નાનકડા થેલામાં બેઠા બેઠા…ટૂંટિયું વાળીને કેવી રીતે પ્રવાસ થાય, માણસ તો સીટ માંથી ઉભો થાયને આંટા પણ મારી લે, પગ છુટ્ટા કરવા, પણ આ ડોગી ભાઈ ને ફરજીયાત યોગાસન!! ખેર તો અમે પહોચ્યા ન્યુયોર્ક….

૧૦૦ વર્ષ જૂની હોટેલની ઈમારત, ને છતાય એવીજ એની ભવ્યતા…રાતના સાડા બારે મેક ડોનાલ્ડમાં રાત નું ભોજન કર્યું ને બીજે દિવસે વહેલી સવારે…કડકડતી ટાઢમાં મેનહેટન…૪૫ મી સ્ટ્રીટથઈ અમારી સફર શરુ કરી..

ગ્રે લાઈન્સની ઓફીસ પર, ને ત્યાંથી ડાઉન ટાઉનની બસમાં….ઈમારતો, ઉંચી, મસમોટી, નજર સામેથી પસાર થતી ગઈ, ટુર ગાઈડ જે નિષ્ફળ ફિલ્મ કલાકાર હતો, એ  મેનહેટનના ઈતિહાસ વીશે રંગબેરંગી, વાતો કરવા લાગ્યો, આ હોટેલ જ્યાં મેરેલીન મનરોએ જોહન કેનેડી સાથે રાત વિતાવી હતી, અહી થી  ફ્રેંક સિનાત્રાએ પોતાનું કેરિયર શરુ કર્યું હતું, આ દુકાનના માલિક ( દુકાન નું નામ: મેસી) ટાયટેનીકની સાથે ડૂબી ગયા હતા…અનેક દંત કથાઓ મેનહેટનની મોટી મોટી ઈમારતોની સાથે સાથે ઉજાગર થતી ગઈ..વાતો વાતોમાં ગાઈડે કહ્યું હવે આવશે ગ્રાઉન્ડ ઝીરો…
મને “૧૧મી  સપ્ટેમ્બરે, બનેલા એ બનાવને આ સડકો પર કેવી દોડધામ થાય હશે, કેવી રીતે world trade centre ના ટ્વીન ટાવર્સ જોત જોતામાં જમીન દોસ્ત થયા હશે” નજર સામે ધૂંધળા ને ટીવી પર જોયેલા દ્રશ્યો તરવરી ગયા, બાળકો અજાણ હતા, ગ્રાઉન્ડ ઝીરો પરના  સ્મારક તરફ ચાલતા ચાલતા બાળકો સાથે એ બનાવ વીશે વાતો થાય….અમેરિકનો અત્યારે ત્યાં બીજી એવડી જ મસમોટી ઈમારત બાંધી રહ્યા છે, લગભગ ચાર હજાર માણસો એ સાઇટ પર કામ કરે છે…જિંદગી યથાવત છે…
ગ્રાઉન્ડ ઝીરો પછી, અમારી સફર પહોંચી બેટરી પાર્ક, ત્યાંથી સ્વતન્ત્રતાની દેવી ના પુતળાને જોવા માટેની ફેરી સર્વિસ છે…કલાક લાઈનમાં ઉભા રહ્યા…ત્યાં પણ આપણાં પાકિસ્તાની ભાઈઓ, માફ કરના, માફ કરના કહીં, ધક્કા મુક્કી કરી લાઈનમાં ગેર કાયદે આગળ ઘુસી ગયા…સ્વભાવ ને પ્રકૃતિ…પણ જાય ખરી!!! ખેર ઠંડા સુસવતા મારતા પવનને શન કરતા કરતા અમે સ્ટેચ્યુ ઓફ લીબર્ટીની પ્રતિમાના દર્શન કર્યા, મને ખાસ કઈ જામ્યું નહી…દેવીની ઉંમર હવે વર્તાય છે!! સમારકામ ચાલુ હતું, તેથી છેક અંદર સુધી જવાની પરવાનગી ન હતી…ઠરી ગયેલા અમે, રાષ્ટ્ર સંઘ (UN ) નું બિલ્ડીંગ જોઇને હોટેલ પર પાછા, પગ બંડ પોકારી રહ્યા હતા, ઠંડી કે મારું કામ, રસ્તામાં એક માંડ માંડ ચાલતી ઇન્ડીયન રેસ્ટોરાંમાં બપોરનું ભોજન કર્યું….

થોડા આરામ પછી સન્ધ્યા કાળે, અમારી ટીમ પહોચી…રોકફેલર સેન્ટર પર…ત્યાના ૭૯માં મજલે આવેલી અગાસીમાંથી ન્યુયોર્ક દર્શન…એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગના ધાબે પણ જવાય, પણ મારે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ જોવું હતું એટલે રોક્ફેલ્રના ધાબે ગયા…સાંજ  ઢળતી ગઈને કેસરી આક્ષ ક્રમશ: ભૂરું ને પછી કાળું થતું ગયું, રોશનીથી પ્રજ્વલિત એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ ને એના જેવા અનેક ઊંચા, મોટા, ઐતિહાસિક બિલ્ડીંગ ઝ્લહલા થતા જોયને એક સુખદ આંચકો અનુભવ્યો, આંચકો એટલા માટે કે જયારે હું સુરેન્દ્રનગર, લીંબડી કે સાબરકાંઠાના ધનસુરા ગામે ભણતો, જયારે હું પેટલાદ થી વિદ્યાનગર બસમાં બનવા જતો, ત્યારે હું આવી રીતે સદેહે ૭૯માં માળે ઉભો ઉભો, એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગના ફોટા પડીશ એવું વિચાર્યું  પણ ન હતું, ચમત્કારો હજી પણ બનતા હોય છે….
આખીય સાંજ મેનહેટનની રોશની ને મન ભરી માણી, ને પછી જેને મેનહેટનનું હ્રદય કહીં શકાય એવા ટાઈમ્સ સ્ક્વેર પર ગયા…બાપુ આખી દુનિયાની રોશની તો અહીજ જોવા મળે, ને માણસો પણ!!!…નાટ્યાત્મક, ઉત્તેજક, ભડક ને પળે પળે બદલાતું…વિશ્વ એટલે ટાઈમ્સ સ્ક્વેર….મારા મિત્ર સુકુમાર કહે છે એમ “Manhattan is State of Mind” ..એક ઉભી ગલી ને ઈમારતો પર મસમોટા જાહેર ખબરના હોર્ડિંગ…સિનેમાના પડદા જેવા મોટા સ્ક્રીન પર જાહેરાતો આવતી રહે, સંગીત રેલાતું હોય, રેગે, પંક, જાઝ, બ્લ્યુ…કાળા આફ્રિકનો ખુલ્લા દિલે મદમસ્ત નાચતા હોય, બુરખો પહેરેલી બાનુ તસ્વીર લેવ્રાવતી હોય, જાપાનીઝ યુનિના વિદ્યાર્થીઓ ફાટી આંખે એક એક વસ્તુ જોતા હોય, નાના છોકરાઓ સ્થળ સમયથી અજાણ રમતા હોય…આવા અનેક વિરોધાભાસી દ્રશ્યો એકસાથે જોવા મળે ને આ બધું મગજમાં એનર્જેટિક કનેક્શનની જેમ રેલાતું હોય…આ ટાઈમ્સ સ્ક્વેરનો જાદુ છે….રાતના એક વાગે હું ફરી એકવાર અહી પાછો આવું છું, ને યોગીની જેમ વચોવચ પળથી મારીને એ સ્પન્દનો ફરી એક વાર અનુભવું છું….જાદુઈ  જગ્યા…!!

બીજે દિવસે ઊંઘરેટી આંખે, ચા ને યાદ કરતા કરતા , કમ ને કોફી પીતા પીતા….ફરી સફર શરુ કરી…આ વખતે ગાઈડ એક લગભગ એંસી વર્ષના માજી હતા…માજી રંગીન મિજાજી હતા, ને ખુબ શોખીન અંદાઝમાં એમને ઉપ ટાઉન વીશે અનેક રસપ્રદ વાતો કરી, સાઉથ ડાકોટા એપાર્ટમેન્ટ જ્યાં જોહન લેનિનની હત્યા થઇ હતી, એપલનો સ્ટોર, ને આવ્યું સેન્ટ્રલ પાર્ક…આવડા મોટા શહેરની વચ્ચે એનાથી પણ મોટો બગીચો…શહેરની વચોવચ સમાધી…ને આટલા સમય પછી પણ કોઈ બિલ્ડર કે કોઈ રાજકારણીની મજલ નથી કે એક ગુન્થો પણ જમીન પચાવી પાડે! લોકશાહી સક્રિય કેવી હોય ને સશક્ત કેવી હોય એ જોવું હોય તો અમેરિકા જવું…ન્યુયોર્કના લોકોના મિજાજમાં એ વાતે વાતે નજર પડે, દરેક માણસની આંખમાં એક ધ્યેય હોય, એક ગોલ હોય, એક જુસ્સો હોય….ઉપ માર્કેટ…પહેરવેશને એક સ્ટાઈલ, એક છટા…કલાકો સુધી આ લોકોને જોયા કરવાની પણ એક મજા છે…સમયના અભાવે નેચરલ હિસ્ટ્રી મ્યુઝીયમ ન જોય શકાયું ( જે પાછળથી વોશિંગટન માં જોયું)…ને સબ વે પકડી ને હોટેલ ભેગા થયા…કારણકે બપોરના બસ પકડવાની હતી..બાલ્ટીમોર જવા માટે….ને બસ અડ્ડા પર મળવા આવે છે હેતલ ને એનો પરિવાર, હેતલ ને હું પેટલાદ ગામે દશમાં ધોરણમાં સાથે ભણતા, મારા બાળકો માણી શકતા નથી કે દશમાં ધોરણની ક્લાસ મેટની સાથે હજી પણ હું સમ્પર્કમાં છું…એ કે કુતુહુલમાં ને કુતુહુલમાં અમે બાલ્ટીમોરની બસ સફર શરુ કરીએ છીએ…બસમાં એક અર્ધ કાળો માણસ લગભગ દોઢેક કલાક સુધી નોન સ્ટોપ બક બક કરેજ રાખે છે, ત્યારે અમારે થોડું કહેવું પડે છે, પણ જાડી ચામડીનો મનુષ્ય સમજતો જ નથી, એટલે એની બક બક ને મેન્ટલી બ્લોક કરી ને હું રસ્તા પરના લેન્ડ સ્કેપમાં મન પરોવું છું…સફર જારી હેય!!!

અમેરિકા ૨૦૧૨

 

બીજા દિવસે હોટેલના ગરમા ગરમ અમેરિકન બ્રેકફાસ્ટ બાદ અમે લોકો ડીઝનીનું બીજું આકર્ષણ કેલોફોર્નીયા એડવેન્ચર જોવા ગયા, આ પણ ડીઝની નો બીજો થીમ પાર્ક છે જે ડીઝનીલેન્ડની બરોબર સામે છે. અને અહી દાખલ થતાજ તમારી નજર સૌપ્રથમ વિશાળ રોલર કોસ્ટર પર પડે. “કેલીફોર્નીયા સ્ક્રીમીન” જેવું નામ ધરાવતું આ બિહામણું રોલર કોસ્ટર ખરેખર ચીસ પડાવી દે એવું છે…એ સાહસ કરતા પહેલા અમે બીજી થોડી નાની રાઇડ્સમાં બેઠા..જેમાં વ્હાઈટ વોટર રીવર રાફટીંગ સૌથી રોમાંચક છે. આ ઉપરાંત નાના બાળકો માટે બગ’સ લેન્ડ અને બીજી પણ આપણે ત્યાં આનંદ મેળામાં હોય છે એવી નાની મોટી રાઇડ્સ છે…મિકી નું મસ મોટું ચગડોળ છે..જે અત્યંત બોરિંગ હતું કારણકે એક ધારું તો એ ફરેજ નહી, ફોટા પાડવા માટે સારું પડે, બાકી એમાં કોઈ મજા પડે એવી વાત નથી…અંતે હિમ્મત ભેગી કરી, એક મેક ને સધિયારો આપી ને અમે “કેલીફોર્નીયા સ્ક્રીમીન”ની કતારમાં ઉભા રહ્યા, રોલર કોસ્ટર જે ગતીથી દોડતું હતું ને જે ૩૬૦ અંશના ગુલાટિયા મારતું હતું એ જોય ને ભલભલા કતારમાંથી ભાગી જાય, કોકને રિમાન્ડ પર લેવો હોય તો આમાં કલાક બેસાડો તો બધું પોપટની જેમ બોલવા મંડે એની ગેરેંટી…૧૨૦ ફીટની ઉંચાય પર જાય ને પછી ગોળ ગોળ, ઉપર નીચે, આડું અવળું ને ન સમજાય એવી દિશાઓમાં તમારું  શરીર ફંગોલાયા કરે, એડ્રીનાલિન રશ તો શું ધોરીયા પડે મારા ભાઈ!  આ સફર પૂરી કરી ને પાછા જમીન પર ઉતરો ત્યારે ઈશ્વર આપોઆપ યાદ આવી જાય…આ ખેલ પતાવી ને ડીઝનીના અમેરિકાના સ્તર પ્રમાણે એવા મોંઘાદાટ રેસ્ટોરાંમાં બપોરનું ભોજન ને પછી થોડી નાની મોટી રાઇડ્સમાં બેસીને અમે ટાવર ઓફ હોરર માં ગયા….સાવ સામાન્ય લાગે એવું હોટેલ નું ૭ માળ ઊંચું બિલ્ડીંગ, પણ પાસે પહોંચો એટલે ભૂતાવળ જેવું લાગે, અંધારું, કડક ચહેરા વાળા હોટેલના કર્મીઓ, લબુક ઝબુક થતી પીળી લાઈટો, ને પછી એક ઓરડામાં ઉભા રાખી ને હોટેલમાં આજથી ૫૦ વર્ષ પહેલા શું બન્યું એની વાર્તા કાળા ધોળા ટીવી પર બતાડે ને પછી જે થાય…એની વાત અહી નહી કરું, પણ ટૂંકમાં કહું તો “કેલીફોર્નીયા સ્ક્રીમીન”આની પાસે બચ્ચું લાગે….!!! આ ઉપરાંત અહી બીજી એક બહુ સરસ રાઈડ છે પેરા ગ્લાઈડીંગની…જેમાં સીમ્યુંલેશન દ્વારા તમને આખા કેલીફોર્નીયા પર થી ઉડાડે…યાદગાર અનુભવ…ને અગાઉ વર્ણવેલી બેય રાઈડ કરતા એક્દુમ ઉંધો- સુખદ અનુભવ…આ ડીઝનીનું સિક્રેટ છે..એક દિવસમાં તમને બધાજ ઈમોશન ફિલ કરાવે…ભય, રોમાંચ, હાસ્ય, ક્રોધ વિગેરે માત્ર દુખ બાકી રહી જાય જે આપણા ગુજરાતીઓ…ખોરાક ને એના ભાવ જોય ને વ્યક્ત કરી લે!!

ડીઝનીને આખું જોવા માટે તો એક અઠવાડિયું પણ ઓછું પડે..સમય મર્યાદિત હોવાથી અમે બે દિવસમાં શક્ય હોય એટલું બધુજ જોયું ને માણ્યું…સતત એ વાત નું આશ્ચર્ય થાય કે વર્ષોથી ડીઝનીનું મેનેજમેન્ટ એકધારું આ બધું કેટલી સારી રીતે ચલાવે છે, દરરોજ ૧૦ હજારથી વધારે માણસો આવે પણ ક્યાય ગંદકી, ધક્કા મુક્કી, મારા મારી, હોકારા પડકારા, છેડતી, કે એવું કંઇજ જોવા નહી મળે, જેનું મુખ્ય કારણ છે કે દાખલ થતા વેંતજ ડીઝનીનો જાદુ તમારા દિલો દિમાગ પર કબજો જમાવી લે છે, જાડી ચામડીનો ગંભીર માણસ પણ થોડા કલાકો માટે એક બાળકમાં પરિવર્તિત થાય જાય છે…આર્કિટેક્ચરથી લઈને પ્રકાશ, લાઈટીંગ, પોશાક, રંગ સજ્જા…એક એક વાતને જો ચીવટથી જોવો તો ખબર પડે કે…કેમ ડીઝનીલેન્ડ આટલું ને આટલા લાંબા સમય સુધી લોકપ્રિય છે…ફ્લોરીડાનું ડીઝની લેન્ડ આનાથી પણ વધારે મોટું છે, એ હવે પછીના પ્રવાસમાં જોવું એવું નક્કી કર્યું છે…

સિનેમા નામના વિશ્વ વિદ્યાલયના આજીવન વિદ્યાર્થી હોવાને કારણે ત્રીજા દિવસનો યુનિવર્સલ સ્ટુડિયોની ટુર મારે માટે બહુ મહત્વની હતી…ગ્રે લાઈન્સની બસ દ્વારા અમે શહેરની બહાર આવેલા યુનિવર્સલ સ્ટુડિયો પર જવાની વ્યવસ્થા ગોઠવી હતી, પણ સવારે નિર્ધારિત કરેલા સ્થળે ઉભા રહ્યા અને બસતો આવીજ નહી, મેં ફોન કર્યો તો એ લોકો ખે બસ આવીને જતી રહી, ત્યાં કોઈજ હતું નહી…મારી સાથે મદ્રાસના એક ભાઈ હતા, અમે બન્ને અવાચક, છેવટે ટેક્ષી દ્વારા અમે ગ્રે લાઈન્સની ઓફિસે પહોચ્યાને સમયસર બસમાં ગોઠવાયા…માણસની જાત છે, અમેરિકામાં પણ ખોટું બોલનારા લોકો હોય છે…એનીવે…મારો પ્રવાસનો મુખ્ય હેતુ આનંદ કરવાનો હોવાને કારણે આવી નાની બાબતો ને અવગણવી સાવ શક્ય હતી..ને અમે પહોંચ્યા યુનિવર્સલ સ્ટુડિયો…..બસની ડ્રાઈવર લેડી એ અમને ચાલુ બસે પોતાની હેડ ફોન દ્વારા યુનિવર્સલ સ્ટુડિયો વિષે ટીપ્સ આપી દીધી હતી ને કેવી રીતે ભીડ થી બચવું અને ઝડપથી બધીજ રાઇડ્સમાં બેસવું..જે ખરેખર ખુબ કામમાં આવી…સિમ્પસંસ, જ્યુરાસિક પાર્ક, મમી જેવી રૂવાંડા ઉભા કરી દે એવી સફરો કરી બપોરના બોજન બાદ મે સ્ટુડિયોની ટુર માટેની બસમાં બેઠા ને ફિલ્મોના શુટિંગ કેવી રીતે થાય છે , સેટ્સ કેવા ને કેવડા મોટા હોય છે, અને ખરેખર ફિલ્મોના શુટિંગ થયા હતા એ લોકેશન પર ગાઈડેડ ટુરને માણી…કિંગકોંગની 4d  રાઈડ જે ટુરનોજ ભાગ હતી , અત્યંત રસપ્રદ રહી, કિંગકોંગ ને ડાયનાસોરની લડાઈમાં વછે આપણે ભરાય જયએ ને કેવી રીતે કિંગ કોંગ આપણને બચાવે, બધું એટલું વસ્ત્વીકને રસપ્રદ લાગે કે બે ઘડી તો તમે ભૂલી જાઓ કે આતો કાલ્પનિક હતું!! સ્રેકને એવી નાની મોટી બીજી રાઇડ્સ પતાવી ને સાંજે અમે લોસ એન્જ્લેસની સફરે ઉપડ્યા…રોડીયો ડ્રાઈવ, હોલીવુડની સાઈન ( જે પહેલા હોલીવુડ લેન્ડ હતી ને એને બનાવવા માટેનું સ્ટીલ ઓસ્ટ્રેલીયાથી આવ્યું હતું!!) , બીવર્લી હિલ્લ્સ, સાન્તા મોનિકા બીચ, હોલીવુડ બુલેવાર્દ, કોડક થીયેટર, મેડમ તુસાદ, મોશન પિક્ચર એકેડમી ને આવા કેટ કેટલાય સ્થાનકો હરી ફરી મોડી રાતે પાછા ફર્યા…હવે પછી ન્યુયોર્ક….

માથું ફાડી નાખે એવી ગરમી હતી, કચ્છી પટેલ ની વાડીએથી નીકળેલો વરઘોડો બોરસદ ચોકડી સુધી પહોચતા અડધો કલાક થયો, આગળ વાજા વાળા ને એમની પાછળ જુવાનીયા નાચે, થોડી બહેનો પણ આ સડક નૃત્યમાં જોડાયેલી, સફારી પહેરેલા બે ચાર વડીલો ટ્રાફિકનું સંચાલન કરતા’તા. ને સૌથી પાછળ મારુતિ થાઉઝનમાં વરરાજા ને અણવર ને વરરાજાની બહેન…લાલ પીળા રંગ ને કાન ફાડી નાખે એવા અવાજની જુગલ બંધી જામી હતી, ને ઉપરથી એપ્રિલ મહિનાનો લાલઘુમ સુરજ..એક એક મિનીટ કલાક જેવી લંબાતી જતી હતી, પણ જાનૈયાઓમાં જોશ હતું, થોડા પાછા છાંટો પાણી પણ કરી આવ્યા’તા…

આ સર્કસમાં એકદમ ઓચિંતો સન્નાટો છવાયો…

એક બેને બુમ પાડી..

“અરે રે ભાઈ સબ જુઓ આ ડોહો અહી આડો પડ્યો”

બે ઘડી બધું રોકાય ગયું…

સફારી વાળા વડીલો ને બીજા એક બે જુવાનીયા ડોહાને રોડની સાઈડ પર ઊંચકી ગયા, ને વરરાજાના કાકા એ વાજા વાળા ને હાથથી ઈશારો કરી વગાડવા કહ્યું…ફૂલેકું  પાછું જોશમાં….

“અલ્યા આ કોણ છે, આપણી બાજુના છે? કોઈ સગામાં છે? કોઈ ઓળખે છે આમને?? ”

જવાબમાં નાનકડી શીઘ્ર રચાય ગયેલી કમિટીના બધા સભ્યોએ નકાર માં માથું ધુણાવ્યું…ડોહો આંચકીઓ ખાતો હતો..

કોક બોલ્યું

“અલ્યા પાણી છાંટો…લુ લાગી ગઈ હશે”

વડીલે ફરીથી હાથનો ઈશારો કર્યો ને એક જીન્સ પહેરેલો જુવાનીયો લારી પાસેથી…પાણીનો જગ લઈને આવ્યો..સફારી વાળા વડીલે એક નિપુણ તબીબની અદાથી હથેળી ઉંધી કરી પાણીની હળવી થાપટ ડોહાના મો પર મારી..

ડોહાનું મો હલ્યું…ફીણ ની સાથે શબ્દો નીકળ્યા…

“ઠંડુ પાણી..ફ્રીજનું…બરફ વાળું..”

અને એની આંખો ઉંચે ચડી ગઈ…વરઘોડો હવે વળાંક લઈને પાછો કચ્છી પટેલની વાડી તરફ પ્રયાણ કરવા માંડ્યો હતો.

સફારી વાળા વડીલના ભારેખમ ધર્મપત્ની આવીને ધોખો કરી ગયા

“ભાઈ સબ તમે હવે આ પંચાતમાં ના પડશો…કહું  છું રસિકભાઈ જમાદાર ને ફોન કરો, એ પતાવી દેશે”…

સફારી વાળા વડીલ અંતે કમને, અડધા કલાકથી દબાવી રાખેલા  પાનની પિચકારી મારી ને બોલ્યા

“તું છે ને, તે સહેજપણ  ડાહી થઈશ નહી, મને બધી ખબર છે શું કરવું,  તું આગળ થા છોનીમોની”…

ધર્મપત્ની બબડતા આગળ થયા

“બળ્યું, પડો પારકી પંચાતમાં મારે શું”…

રોડની બાજુ પરની દુકાન નો ધોબી..આ ડોહાની ફરતે  રચાયેલા કુંડાળામાં માથું નાખી બોલ્યો

“અલ્યા આતો જીવણ કાકા. પેલા માસ્તર ના બાપુજી”..

સફારીના જીવ માં જીવ આવ્યો એને ધોબીની ઉલટ તપાસ શરુ કરી ધોબીએ એના છોકરા પાસે મોબાઈલ મગાવ્યો…સફારી એ પોતાનો કાઢ્યો…ધોબી એ કહ્યું અલા ભાઈ નમ્બરતો જોઇશે ને….ફોન થયા..

જીવણ કાકો…બીજી દુનિયામાં હતો….કુલુ મનાલીની બરફ આચ્છાદિત ટેકરીઓ પર…એની આંખો સામે ખળ ખળ વહેતું મીઠા પાણી નું ઝરણું હતું…કાન્તાય ભેગી હતી..બેય જના નાના છોકરાવની જેમ બરફના ગોળા એક બીજા પર ફેંકતા હતા…ન પરસેવો, ન તડકો, ન બાફ, ન ગરમ હવા…બસ ભીની ભીની ઠંડી હવા ને ઠંડુ પાણી….!!

જીવન કાકાનું ઠંડા પાણી માટેનું ફેટીશ સોસાયટી જાહેર હતું…ડોહો ઠંડુ પાણી પીવા માટે જીવ પર આવી જતો, જો કે એનોય વાંક ન હતો…ઉનાળાની ગરમી ને…ડોહાને મામલતદાર ઓફિસમાં નોકરી કરતો હતો ત્યારથી કુલરના ઠંડા પાણીની લત લાગી ગઈ હતી…પણ રીટાયર થયો ને ઠંડુ પાણી બંધ એને હતું કે પીએફ ના પૈસામાંથી ફ્રીજ લાવશે, પણ એક ના એક છોકરા ને વિદ્યા સહાયકની નોકરી મળે એની લાંચ માં ગયું પીએફ ને ગામની જમીન વેંચી એમાંથી ઘરમાં ઉપર માળ લીધો,  છોકરાને પરણાવ્યો….વાર્તા પૂરી….શરુ શરુ માંતો ડોહો સાયકલ લઇ મામલતદાર ઓફીસ જાય..કુલર ને જોઈ રાજીના  રેડ થઈ જાય, પાંચ છ પ્યાલા પાણી પીવે…મોઢું ધુવે, રૂમાલ પલાળે, બોચી પર ઠંડુ પાણી ઘસે, આંખોમાં છાંટે…ને પછી કુલરની બાજુમાં બેસીને મસ્ત બીડી પીવે…ને દસ મીનીટમાં બીજા બે ત્રણ પ્યાલા ને આખી ક્રિયા ફરીથી કરે…છેલ્લે ધરાય એટલે…સાથે લાવેલું ડોલચું ભારે ઠંડા પાણીનું ને એને ક્ન્તાનમાં વીંટી ને ઘેર લઇ આવે…ને આખીય બપોર ઘૂંટો ઘૂંટો પીવે…

છોકરાની વહુ જરા શોખીન હતી, આખી બપોર ટીવી પર સીરીયલો ને ફિલ્મો જુવે…ગાઉન  પહેરીને બારી પાસે લગાવેલા ત્ક્તામાં જોઈ જોઈ ને તૈયાર થાય..પાઉડરના  થથેડા કરે, બાજુના ઘરમાં કોલેજમાં ભણતા જુવાનીયા ભાડે રહેતા હતા, એમનો એક ડોહાના ઘેર આવ જા કરે, એક વાર ડોહા બીડી માટે પેટી લેવા રસોડામાં ગયા તો વહુ ને પેલો જુવાનીયો બાથ ભરીને ઉભા’તા…જીવનલાલ સમસમી ગયા પણ બોલે શું…સાંજે વહુ એ ત્રાગું કર્યું ને છોકરા એ કૈક સાચું ખોટું કહ્યું ડોહાને…ત્યારથી ડોહાનો વસવાટ ઘરની આગળ આવેલી ચાર બાય દશની ઓસરીમાં થઇ ગયો તો…એક ખાટલો ને એક ટેબલ ફેન, વહુ ખાવાનું બહાર મૂકી જતી ને પાણીનો લોટો…બીડીઓ પીવાયે રાખતી ને ડોહો ઠંડા પાણીના સપના જોતા જોતા ઝોંપી જતો…

ઘરની પાછળની ચોકડી માં સવાર ના છ વાગે ગામ પહેલા નાહીને ડોહો સાયકલ લઇ નીકળી પડતો, શાક માર્કેટ ને ત્યાંથી મામલતદાર ઓફીસ…પણ આ દિનચર્યામાં  ભંગ ત્યારે પડ્યો જયારે એક ઉનાળે પેલું કુલર બગડી ગયું..ડોહાનો જીવ બેસી ગયો, એક તો સુખ હતું, એક તો બહાનું હતું જીવવાનું..કાન્તાતો લકવો મારીને રિબાય રિબાયને મારી ગઈ, અને અમરનાથની જાત્રાએ પણ ન લઈ જઈ શક્યો ને હવે આ મારું હાળુ  કુલર પણ દગો દઈ ગયું, હવે આ ઉનાળો કેમ જીરવાશે..?? જીવણલાલે અંદર કચેરીમાં તપાસ કરી કે આને રીપેર કરશે કે નહી, એક જુનો દોસ્તાર ખબર લાવ્યો કે ના નહી કરે, સાહેબ ને સ્ટાફ માટે ફ્રીજ છે ને આમેય મામલતદાર ઓફીસ નવી બનવાની છે એટલે ખોટો ખર્ચો નહી કરે..જીવણલાલની એ બપોર કોઈ સ્વજનના મોત બાદ સ્મશાને પાછા આવતા જેમ લંબાય એમ લંબાતી રહી..

એમણે કુલરના પર્યાયો શોધવા ચાલુ કર્યા…બસ સ્ટેન્ડે ઠંડા પાણીની લારી વાળા છોકરા સાથે ભાઈ બાંધી કરી કે જે એક બે ગ્લાસ મફતમાં પાણી મળે…લારીનો માલિક ડોહાની દાનત પારખી ગયો ને એક દિવસ બધાની દેખતા જીવણલાલનું અપમાન કર્યું એટલે એ રસ્તો બંધ, ડોક્ટર મહેતાના દવાખાનામાં કુલર હતું પણ એ દર્દીને એમના સગા વ્હાલા માટેજ, ડોહા ત્યાં દરરોજ બપોરે પહોંચી જાય, નર્સને શંકા પડી એણે  ચોકીદારને બોલાવ્યો ને એ વાતનો પણ અંત! એ ઉનાળો તો માંડ માંડ ગયો…આ ઉનાળે ડોહાને ખબર પડી કે પોતાની સોસાયટીમાં નવા ભાડે રહેવા આવેલા ટેલીફોન એક્ષચેન્જ વાળા શર્માને ત્યાં ફ્રીજ છે…ડોહાએ ત્યાં આંટા ફેરા શરુ કરી દીધા, શર્માની બૈરી ને એમ કે જીવણલાલને મારામાં રસ છે, એટલે એણે બપોરે છોકરા ટ્યુશન ગયા હોય ત્યારે ડોહાને બોલાવે, ઠંડુ પાણી પીવરાવે ને પછી કાલી કાલી વાતો કરે, એક દિવસ ગરમી પકડી ગયેલી શર્માની બૈરીએ જીવણલાલનો હાથ પકડીને પોતાની છાતી પર મૂકી દીધો, ને ત્યારથી જીવણલાલે ત્યાં જવાનું બંધ કરી દીધું…મોકો જોઈ એક દિવસ છોકરાને જીવણલાલે ઘણા સમયથી સાચવી રાખેલું “હપ્તે થી ફ્રીજ ખરીદો” નું ચોપાનિયું બતાવ્યું, તો એના જવાબમાં છોકરાએ દવાનું બીલ, લાઈટનું બીલ, મકાન નો હપ્તો, પત્નીની આબુ જવાની ઈચ્છા જેવા હજાર બહાના બતાવ્યા ને બીજે દિવસે એક નવું માટલું મૂકી દીધું..ડોહાના ખાટલા પાસે ઓસરીમાં..

ડોહા મનોમન હસ્યા

“આ નાદાન ને શું સમજાય બરફની મજા! એ કકડ બકડ અવાજ, એ ઠંડી હવા, ગ્લાસની બહાર બાઝી ગયેલી ઠંડી વરાળ…ને ઘૂંટે ઘૂંટે થતી તૃપ્તિ…”

સોસાયટીમાં બરફના ગોળાવાળો આવે ત્યારે ડોહાએ બીડીના બચાવેલા પૈસા માંથી ગોળો ખરીદે, ને પેલો પૂછે

“કાકા કયો કલર નાખું”…

ત્યારે ડોહા જવાબમાં મરકે ને બોલે

“એક્કે નહી..એમ નેમ આપ ને મોટો બનાવજે”

પછી એ કલર વગરનો ગોળો લઇને ચાલતા ચાલતા સ્મશાને જાય ત્યાં વડની નીચેના બાંકડે બેસે ને આખી બપોર ગોળો ચૂસે રાખે..એક એક પળે સ્વર્ગની નજીક પહોચ્યા નો એહસાસ…હોઠ ને જીભ ખોટ્ટા પડી જાય ત્યાં સુધી…સોસાયટીમાં ડોહાના આ કલર વગરના ગોળા ખાવાના ગાંડપણની વાતો થવા લાગી, વહુએ છોકરાને કહ્યું એટલે એ શિરશ્તો પણ બંધ…જુવાનીયા વેકેશનમાં ગામ જતા રહ્યા એટલે વહુએ બોરસદ ચોકડી પર નવા બનેલા કોમ્પ્લેક્ષમાં આવેલા પટેલના એસટીડી પીસીઓમાં નોકરી લઇ લીધી, પટેલ લંડનથી આવ્યો તો, ને વહુને સારું ફાવી ગયું તું…ડોહાએ છેલ્લા ઉપાય તરીકે કચ્છી પટેલની વાડીમાં ઉનાળાની લગ્નની સીજનમાં આંટા ફેરા ચાલુ કર્યા…પાણીના કાઉન્ટરની  આસપાસ ઉભા રહે, ને ચાન્સ મળે ત્યારે એકાદ બે ઠંડા, વાળો નાખેલા પાણીના ગ્લાસ ફટકારી લે, તબિયત હવે લથડી હતી, હ્રદય મોટું થયું હતું, મોતિયો આવ્યો હતો, શરીર પણ તૂટતું હતું, લમણે ચૂનો લગાવીને રાતે સુઈ રહેતો ને કુલુ મનાલીના બર્ફીલા સપના જોતો…

એ દિવસે વાડીમાં ઠંડા પાણીનો ગ્લાસ હજી હોઠે લગાડ્યો ત્યાંજ એક ભાઈ બોલ્યા…કાકા કઈ તરફથી છો…જીવણ લાલ બે ઘડી થીજી ગયા..એમણે ચૂસેલા બરફના ગોળાની જેમજ…થોથવાય ને બોલ્યા “જાન માંથી”…પેલા ભાઈ કહે  “તો અહી શું કરો છો , જાવ વરઘોડો નીકળી ગયો છે”…કમને જીવણલાલે હોઠો સુધી પહોચેલો એ ઠંડા પાણીનો ગ્લાસ પડતો મુક્યો ને ઝટપટ વરઘોડા  ભેગા ચાલ્યા..પેલો માણસ દુરથી એમની સામેજ જોઈ રહ્યો હતો, એટલે છટકવું શક્ય ન’તું ને ડોહા ફુલેકામાં જોડાયા..પગ ભારે હતા, આંખે અંધારા આવતા હતા, જીવ ગભરાતો હતો, પરસેવો કાનની પાછળ થવા માંડ્યો..જીવણ લાલ પામી ગયા એ આ આપણો ધ એન્ડ…પણ એક ગ્લાસ ઠંડુ પાણી મળી જાય તો….બસ જીવ આરામથી છૂટે…

છોકરાની વહુ દોડતી આવી, એણે છોકરાએ  ફોન  કર્યો હતો, સદનસીબે આજે પટેલ ન’તો આવ્યો…પણ એ પહોચી ત્યારે તો એકસો આંઠ આવી ગઈ હતી , જોકે ડોહાને આમાંના કોઈની જરૂર ન’તી એ તો નીકળી ગયો તો મહાપ્રયાણ પર…બરફ આચ્છાદિત શિખરો પર…જ્યાં ઠંડુ પાણી હતું…

ડોહાનું બારમું પતી ગયું પછી થોડા દિવસે છોકરાએ ફ્રીજ વસાવી લીધું હતું..થેંકસ ટુ પટેલ…!!

-પાર્થ
૨-ત્રણ-૧૨
સિડની..