એ ઝીંદગી ગલે લગાલે !!!

Tuesday, September 27, 2011

ઉપરની ખાલી જગ્યામાં દોરડેથી લટકતો યુવક કે ફૂલી ગયેલી એક લાશ કે મોમાંથી ફીણ નીકળતા હોય એવું યુવતી કલ્પી લેવા ને પછી ઈમરજન્સી ની બહારના ટોળાઓ, સગા વ્હાલા, દોસ્તો…પરિવાર , ફાટી ગયેલા ગુમડા જેવી સાંજે સ્મશાન ને બેસણું ને અસ્થીઓ નું વહાવી દેવું…વાર્તા પૂરી કિસ્સો ખત્મ!! ના કિસ્સો ફરી પાછો થોડા દિવસે દોહરાશે..કોક જુદી જગ્યા એ કોક બીજા ગામમાં…મોત જિંદગી કરતા કે જિંદગી મોત કરતા સસ્તી કે મોંઘી છે એ સમજાય એ પહેલા ફરી એક યુવક કે યુવતી નો આપઘાત…કારણોનું પૃથ્થકરણ કરીએ તો મોટેભાગે પરીક્ષા કે પ્રેમમાં નિષ્ફળતા…કે પછી અવગણના કે હતાશા કે રેગીંગ કે દેવું..જેવા સામાન્ય રીતે સાવ ક્ષુલ્લક પ્રકારના હોય..પણ એક જીવનો ભોગ લેવાય ને એની સાથે એના માં-બાપ ના સપનાઓ, ને એવું ઘણું બધું પણ ગુમાવાય…માણસનું મન અટપટું છે, સંકુલ અને જટિલ કહેવાતી માનસિકતા ને બેકાબુ વિચારો ને લાગણીઓના વાવાઝોડા એક જીવને પોતાનોજ જીવ લેવા સુધીની હદે લઈ જાય છે. એક મિત્રનો નાનો ભાઈ બારમામાં ધોરણમાં હતો ને પ્રેમ થઇ ગયો ને પછી શું સુઝ્યું કે એક સાંજે એનું ને પેલી છોકરી નું શબ મળ્યું….સત્તર વર્ષની બાલી ઉમરનો વાછરડા જેવો પ્રેમ ને એમાં બેય જણે જીવ સુધ્ધા આપી દીધો…એના મોટા ભાઈની આંખે મેં એજ વેદના આટલા વર્ષો પછી પણ એવીજ તીવ્ર જોય છે નજરે, ને એક પ્રશ્ન થાય કે આવું કેમ વારંવાર થાય છે, કેમ એ કાચના ઘર જેવા મનમાં ઉઠેલા પથ્થરિયા વિચારોનું તોફાન ખાલી નથી શકાતું…સમાજ શિક્ષકથી માંડીને, ટીવી થી સુધી જે હૈયે આવે એના પર દોષ ધોળી દે છે..અને થોડા દિવસ ની હો હા બાદ બધું પાછું યથાવત, એમ નું એમ (ને આ સંદર્ભ લગભગ દરેક બાબતને લાગુ પડે છે…કમનસીબે..આતંકવાદી હુમલા થી માંડીને પોસ્ટ કાર્ડ કાંડ સુધી)

સપોર્ટ સીસ્ટમ..દરેક માણસ હુંફ અને લાગણી અને પોતે સ્વીકારાય છે ના નાનકડા ત્રિકોણ ની વચ્ચે પોતાનું માનસિક સ્વાસ્થ્ય સંતુલિત રાખતો હોય છે..આમાંના એક ખૂણા પર પ્રહાર ને એ હચમચી જાય, ઘણા દેખાડે, કોઈ વળી મનનો મજબુત માનવી વ્યક્ત ન કરે..કોક એકાદ બે ઘા જીરવી જાય કોક નાનકડી ચોટથી ધરાશયી થઇ જાય, ને એ વખતે કામ આવે સપોર્ટ સીસ્ટમ…મિત્રો, વાલી, શિક્ષકો જેની પાસે મન હળવું કરી શકાય એ બની જાય આપણી સપોર્ટ સીસ્ટમ..યુવાની ના તદ્દન કાળઝાળ કહી  શકાય એવા દિવસોમાં જો હું ટકી ગયો હોઉં તો આ સપોર્ટ સિસ્ટમથી…અંગત અનુભવે કહું છુકે એક વાત શેર કરવાથી મનને ઘણું સારું લાગે છે…વાંચન એ બીજી બાબત હતી જેને મને ટકાવી રાખ્યો, બક્ષીબાબુ દરેક હારની પળે વંચાતા ને બીજી સવારે આપણી બુઠ્ઠી તો બુઠ્ઠી તલવાર લઈને પાછા રણમેદાનમાં ને સાંજ સુધી લડવાનું, લોહિયાળ થવાનું ને આ સિલસિલો જારી રહે, દુશ્મનો બદલાય ક્યારેક પરીક્ષા હોય, ક્યારેક માસ્તર હોય, ક્યારેક બેવફા સનમ હોય, ક્યારેક પોતાનીજ જાત હોય…પણ લડાઈ જરી રહે…નાના મોઢે મોટી વાત કરું પણ આ વાંચનાર ને એક વિનંતી કે ધ્યાનથી પોતાની સપોર્ટ સીસ્ટમ વિષે વિચારે ને ન હોય તો તાત્કાલિક ઉભી કરે…વાત કે ગુસ્સો કે હતાશા મનમાં ઘુમરાયા કરે એના કરતા તો સારું કે એ વેન્ટ આઉટ થાય…ઘણી દુર્ઘટનાઓ ટળી જાય…ત્યારેતો એવું લાગે કે સમય બહુ કમીની ચીજ છે એ ઘર કરી જાય ખરાબ સમયે ને પછી એક એક મિનીટ લંબાય, ઘુટન, ને સાવ શૂન્યમનસ્ક અવસ્થા આપીદે, ત્યારે મારો ઉપાય લાંબી વોક પર નીકળી જવું ને જે વિચારો આવે એને આવવા દેવા…દોસ્ત અડધા કલાકની વાત હોય છે, ને તમારા મરવાથી સમસ્યા ઉકેલવાની નથી ને તમારા પોતાના સિવાય કોઈને પણ કઈ ઝાઝો ફેર પડવાનો નથી…જો વાહન સુખ હોય તો , બાઈક પર મો પર ઠંડો પવન ફૂંકાતો હોય ત્યારે સદમાનું “એ ઝીંદગી ગલે લગાલે ” મોટે મોટે થી ગાય જોજો, ને પછી જે જુસ્સો આવે એ અનુભવજો જીવન ની ઘણી સમસ્યાઓનું નિદાન આવું પણ સરળ હોય છે..

રહી વાત શિક્ષણની તો મને બહુ આશ્ચર્ય થાય છે કે હજી ગુજરાતના માસ્તરો વિદ્યાર્થીઓ સાથે નિયમિત રીતે હાથચાલાકી કરે છે…સને ૧૯૮૦મા અંગુઠા પકડાવવા અને ઢોલ ધપાટ કરવી જેવા કૃત્યો માસ્તરોએ મારી સાથે પણ કર્યા છે ને હવે જયારે હું એક વાલી તરીકે એ વિચારું છું ત્યારે કોઈ ચોક્કસ કાયદાના અભાવે બધું ચાલી ગયું એમ માની લઉં છું ( જો કે મને કે મારા વર્તન માં આવી શિક્ષાઓ થી કોઈ બહુ ફેર પડ્યો નથી, એ બળવો તો લોહીમાં હોય એને ક્યાંથી કઢાય!!!). અહી સિડનીમાં નો ફીજીકલ કોન્ટેક્ટનો બહુ સખ્ત કાયદો છે ને તોફાની વિદ્યાર્થીઓને જુદી જાતની શિક્ષાઓ થાય છે..પણ ધોલધપાટ ને હાથચાલાકી તો ચાલેજ  નહી, ને જેલ ભેગા થવાની તૈયારી રાખવાની..ગુજરાતના નેતાઓને ઉપવાસ, પ્રવાસ, ને પ્રજાના ઉપહાસ માંથી સમય મળે તો આ લીંક પર નજર ફેરવી લેવા વિનંતી..http://bit.ly/mPMfIY    આ ચર્ચા ની બેય બાજુ પર ઘણા મુદ્દાઓ હોય શકે, પણ ફીજીકલ કોન્ટેક્ટ સ્વીકારી ના લેવાય..(મારા સાડા સાત વર્ષના અધ્યાપક કાળ દરમ્યાન એકવાર ગુસ્સામાં આવીને એક વિદ્યાર્થી પર હાથ ઉપાડેલો ને હજી આજે પંદર વર્ષ પછી પણ એનો વસવસો છે, ને ત્યારે એની માફી માંગતા પણ શરમ નહી આવેલી)

બીજો મુદ્દો પ્રેમનો છે , અહી ચોક્કસ વાંક સપોર્ટ સીસ્ટમ ન હોવાનો કાઢી શકાય…આપને ત્યાં પ્રેમ ને બલીદાન, ફના ફતીયા થવું જેવું ભારેખમ સ્વરૂપ આપી દેવાયું છે, જેનો હેંગઓવર ને ઉપરથી સડક છાપ સિનેમા  ને યુવક કે યુવતી આ આંટી ઘુટી માં એવા તો ગોળ ગોળ ફરે પછી કઈ ના સુઝે ને જીવ મૂંઝાઈ ત્યારે એક રસ્તો રહી જાય આપઘાતનો…અમારા એક મિત્ર જે ભણવામાં બહુ હોશિયાર એ આવા વમળ માં આવી ગયાતા, છોકરી એને મિત્ર સમજતી ને ભાઈ એકતરફી પ્રેમમાં, એક દિવસ દવા પીને હોસ્ટેલની રૂમે આવ્યા પણ રૂમ પાર્ટનરની સમય સુચકતાથી બચી ગયા..એ ભાઈ અહીજ ક્યાંક છે ફેશબુક પરને એમને ચોક્કસ અત્યારે પોતે કેવું બાલીશ કૃત્ય કર્યું હતું એવું થતું જ હશે…ફરીથી સમય, એજ સમય થીગડા મારે જો તમને ઘા સંતાડવાની ટેવ ન હોય તો…ઘણી વાર ઈગો ને જવા દેવો, સ્વીકારી લેવું કે જાડી ચામડીના થવું એ સારી બાબતો હોય છે..પ્રેમના ઉપર તો કિલો મીટરો લખાય, પણ સો વાત ની એક વાત કે કોઈ આપણી જાત કરતા વધુ મહત્વનું નથી હોતું આ દુનિયામાં ને આ વાત જેવે સમજાય એ ક્યારેય ટીક ૨૦ ના ગુલામ નહિ બને…

અને છેલ્લે નિષ્ફળતા ને સમસ્યાઓ…પ્રશ્ન એ છે કે કોણે નથી અનુભવ્યા આ બંને…ગૌતમ બુદ્ધ ને ગૌતમીની રાઈના દાણા વાળી વાત જેવું છે…ભૂખ ને દુખ  શાશ્વત છે ને એની જેમ તકલીફો પણ અમર છે એ સત્ય સ્વીકારી લેવાનું ને મોજ કરવાની…પરીક્ષામાં નાપાસ થયા એ કોઈ વૃક્ષ કે પાંખે લટકવા જેવી વાત નથી, શરમ આવે તો થોડા દાડા ભલે આવે, બરબાદી ઓનો જશન મનાવવા વાળા લોકો કેટલા યાર!! જીવનમાં એક તબક્કો આવે છે કે યુવાની માં  ગુમાવ્યું, મેળવ્યું એ બધું કઈ મહત્તા રાખતું નથી, ચાર માર્ક માટે પહેલો વર્ગ નહી આવેલો એનો હવે કોઈ રંજ નથી, એક્ષ, વાય કે ઝી ની સાથે મનમેળ ન તો થયો એનો કોઈજ ફેર પડતો નથી…પણ મહત્વની વાત એ તબક્કા સુધી પહોચવા માટે જીવતા રેહવું જરૂરી છે, લડતા રેહવું જરૂરી છે….

આ શરીર આ આત્મા આ મન ની પેલે પર એક માં એ કેટલા જતનથી મોટા કર્યા, બાપા એ મેલા માં ખભે બેસાડી ને ફેરવ્યા, દાદાની વાતો, મિત્રો ના લગ્નમાં નાચવાના મનસુબો, બહેનની રાખડીઓ, ભાઈ ના લાગણીઓ જેવા બહુ મહત્વના માઈલ-સ્ટોન છે જીવનમાં..એની સામે નિષ્ફળ પ્રેમ, કે ફાલતું પરીક્ષા કે બેકાર માસ્તરનું અપમાન શું મુલ્ય ધરાવે હે દોસ્ત ?????

એ ઝીંદગી ગલે લગાલે !!!

 

 

 

4 Comments

  1. Abhimanyu modi says:

    Kya baat hai.!! Strong articulated article. Very good. :)

  2. Jay Nanavati says:

    Really nice one….Gr8 work..

  3. avani says:

    thanks

    aje koi na hraday ne fari dhabakatu karyu tame;
    antim xano pahela tamaro lekh vanchyo aneeeeeeeeeeee HAJI Y JIVU 6U

Leave a Reply