એક છોકરી ને રાતા જાંબલી રંગ નું ફુલ
Saturday, December 24, 2011
નાતાલ નજીકમાં હતી, છોકરી શહેરના વિવિધ મોલ્સમાં એની ચમક દમક જોઈ શકતી હતી. ચહેરા પર ખુશી વાળા પરિવારો એમના નાનકડા બાળકોને લઈને મોલ્સના ઉત્તેજક માહોલમાં ઉત્સાહથી ફરતા.છોકરી ન ખુશ હતી ન દુખી, એક અજીબ આશ્ચર્યથી એ આ લોકોને જોયા કરતી, એને તો પરિવાર ના નામે એક માં હતી, જે નશામાં ન હોય ત્યારે ગુસ્સામાં રહેતી, પણ છોકરી બહુ જલ્દી થી જિંદગીના નિયમો શીખી ચુકી હતી. પંદર વર્ષની ઉંમરે તેનામાં બે ટાઈમનું ખાવાનું શોધવાનું હુનર આવડી ગયું તું, તે ઘેર અઠવાડિયે એકવાર જતી, રવિવાર ની સવારે…ચુપચાપ પાછલા દરવાજે થી હાઉસિંગ કમીશનના સંકુલમાં આવેલા નાનકડા ફ્લેટમાં ચુપચાપ અંદર સરી જવાનું ને , ફટાફટ નાહી ધોય, નવા કપડા પહેરી ને માં ના પર્સમાંથી જે કઈ મળે એ ઉસેડી ને રવાના..માં શનિવાર ની રાતે મળેલા એના જેવાજ લુસર પુરુષ સાથે હોવાના કારણે પકડવાની શક્યતાઓ બહુ રહેતી નહી..બસ ને અઠવાડિયું શોપિંગ મોલ્સ, બે ચાર એના જેવા સંજોગો ધરાવતી બહેન પણીઓ ને એમના ભાઈબંધો, પુલની પાછળ આવેલા બગીચામાં રાત, ચર્ચનું ખાવાનું ને જીવન નહીતો દિવસો તો વીતી જતા, એને ડાન્સનો બહુ શોખ એટલે ટીવી ના શો રૂમની બહાર દરરોજ સાંજે ડાન્સિંગ વિથ સ્ટારનો પ્રોગ્રામ જોતી..ને એજ દુકાનો ની હારમાં છેડે આવેલી એક ઘરડાની કપડાની દુકાન હતી જેની પછવાડે એક નાનકડી ઓફીસ હતી જેમાં એક ગાદલું હતું, રાત ના આઠ પછી જયારે પૈસાની જરૂર હોય તે પહોચી જતી ,અડધો કલાક મોઢાની બદબૂ ને પરસેવો સહન કરી ને થોડા પૈસા મળી જતા, સ્કુલમાં કહેતા એવી “વિન વિન સિચ્યુએશન” હતી..
ખેર વાત એ રાતની છે જયારે ઊંઘ ન આવવા ના કારણે છોકરી પુલની પેલી તરફ મોડી રાતે ચાલવા નીકળેલી..બગીચાની બેંચ પર તેની સાથે સુતેલી બીજી છોકરી એ રાતે આવી ન હતી, છોકરી ભાગ્યેજ પુલની પેલી તરફ જતી પણ એને ખબર હતી કે ત્યાં બહુ પૈસા વાળા મોટા મોટા માણસો રહે છે, મોટા મોટા મકાનો, ઘરની આગળના સુંદર બગીચાઓ, મોટી મોટી ગાડીઓ, બધુજ ચોખું ચણક..છોકરી ને બહુ નવી લાગી કે એકજ શહેરમાં આવા બે જુદા જુદા વિસ્તારો શા માટે? પણ એને શું? એ પોતાનો મતલબ હોય એટલુજ જોવાનું…એ રાતે એ સુમસામ સડક પર ચાલતી હતી..ને એની નજર એક ઘરની બહાર બગીચા પર પડી..મસમોટી દીવાલ ની પેલી તરફ એક ઝાડ હતું ને ઝાડ ને રાતા જાંબલી રંગના ફુલ ખીલ્યા હતા…શિયાળામાં ફુલ??…પછી છોકરી ને સમજાયું કે આતો ક્રિસમસ ટ્રી છે ને પેલા રાતા જાંબલી રંગ ના ફુલ એના પર સજાવાયા છે, બાપ રે આવડું મોટું ટ્રી…ને આવા સરસ ફૂલો, એને એક ફુલ પોતાના વાળમાં નાખવાનું મન થયું, ગમે તેમ તો અંતે તો છોકરી જ હતી ને, એને પણ ઈચ્છાઓ તો હોય ને…!
પણ આવડી મોટી દીવાલ ઓળંગીને એક ફુલ લેવા જવું તો શક્ય ન હતું..છોકરી સુન મુન થઇ ને આગળ ચાલવા માંડી એને સમાધાનો કરતા પણ આવડી ગયું તું…કારણકે બીજા પર્યાયો એની પાસે હતા નહી..એ નાનકડી ખુશીઓ માં ખુશ રહેતી ને જિંદગીને ડે બાય દે પસાર કરતી..એણે પાછા ફરવાનું નક્કી કર્યું, ઠંડી વધી ગઈ હતી, કદાચ બરફ પણ પડે, પુલ પરથી પસાર થતી હતી ત્યારે પુલ ની પાળી પર એક છોકરો બેઠો હતો, જીન્સ ને જેકેટ, માથે ટોપી પહેરી હતી એના પગ પુલની બહારની તરફ હતા ને એ નદીના રોશની માં ચમકતા પાણીને તાંકી રહ્યો હતો..છોકરી એની પાસેથી પસાર થઇ ત્યારે એ એકદમ પાણી તરફ ધસ્યો જાણે પાણીમાં કૂદતો ન હોય..છોકરી હતપ્રભ ને ગભરાઈ ગઈ, પણ છોકરો નાટક કરતો હતો તે પાછો કુદીને ફૂટપાથ પર પડ્યો ને ખડખડાટ હસવા લાગ્યો..છોકરી ગુસ્સે થઇ ગઈ, એને ગાળો બોલીને ચાલવા માંડ્યું, છોકરો એની પાછળ ચાલ્યો, છોકરી ઉભી રહી એને ધમકાવવા માટે, છોકરા એ એની પાસે જઇને ખુબ પ્રમાણિકતા થી સોરી કહ્યું ને માફી માગી, બન્ને સાથે ચાલ્યા બગીચા સુધી..પછી છોકરા એ છોકરી ને કહ્યું કે કાલે નાતાલ છે, ને એનું આ શહેરમાં કોઈ પણ નથી, એ બંદર પર એક માછલી ને ટીનમાં પેક કરવાની ફેકટરીમાં કામ કરે છે, અને ત્યાનીજ એક વસાહતમાં બીજા મજદૂરો સાથે રહે છે, એનું ગામ પહાડોમાં છે, બહુ દુર, ને એની માં ને એ આ નાતાલ પર મળવા જઈ શક્યો નથી…અને શું એ આજની રાત તેણીની સાથે વિતાવી શકે છે..છોકરી ફરી ગુસ્સે થઇ ગઈ, એને પેલો પરસેવો, નાનકડી ઓફીસ ની ગુંગળામણ યાદ આવી ગઈ, છોકરો એ ઊંધું સમજી હોવાનું પામીને ચોખવટ કરવા લાગ્યો કે ના એનો કોઈજ બદઈરાદો નથી, ને એને તો ફક્ત એકલતા દુર કરવા વાતોજ કરવી છે, છોકરી ને એની આંખોમાં સચ્ચાઈ લાગી, ને બન્ને બગીચાની એક બેંચ પર બેઠા વાતો થતી ગઈ..બરફ શરુ થઇ ગયો, છોકરો લાકડા ભેગા કરી આવ્યો, ને બન્ને તાપણા પાસે બેઠા બેઠા, સાચી ખોટી, નાની મોટી , વાતો કરે રાખ્યા…છોકરી ને છોકરો ગમવા લાગ્યો, પહાડોના લોકો ની નિર્દોષતા, ને જીન્દાદીલી એનામાં હતી, છોકરા ને પૈસા ભેગા કરી ને પાછા પહાડોમાં જવું હતું, નાનકડી જમીન ને થોડા ઘેટા લઈને એક નવી શરૂઆત કરવી હતી, મરેલી માછલીઓની બદબૂ એ આખી જિંદગી જીરવી શકે તેમ ન હતો, એને છોકરી ને કહ્યું કે તું પણ મારી સાથે ચાલ, મારી માં ને મદદ થશે, મને તારા ભૂતકાળ કરતા ભવિષ્યમાં વધારે રસ છે..
છોકરી એ દુનિયા બહુ જોઈ હતી, ને આવી લાગણીશીલ ભૂલો પણ બહુ કરી હતી, પણ કોણ જાણે એને છોકરા ની વાતો વિશ્વાસ પડ્યો પણ એનું મગજ એને રોકી રહ્યું હતું, અંતે એને છોકરા ને કહ્યું કે જો એ સાચો હોય તો નદીની પર જઈને પેલા ક્રિસમસ ટ્રી માંથી એના માટે રાતા જાંબલી રંગનું ફુલ લઇ આવે..છોકરો પળનો પણ વિલંબ કર્યા વિના ઉપડ્યો ને જતા જતા કહેતો ગયો કે તે અહીજ રાહ જુવે તેની, આ તાપણું બુઝાય એ પહેલા એ પાછો આવી જશે, તેને વિશ્વાસ ભર્યા કદમો માંડીને જતો જોઈ ને છોકરી ને થોડી આશ બંધાઈ, જિંદગી વીશે તે કારણ વગર ખુશ થઇ ગઈ, પહાડોના ધુમ્મસ ને નાનકડા રસ્તાઓ, નાનકડા ઘરો, હુંફાળા માણસો…ને ખબર પડે એ પહેલાજ એ ઝોકે ચડી ગઈ…
આંખ ઉઘડી ત્યારે પુલ પર શોર બકોર હતો, એ પુલ તરફ દોડી…ફાયર બ્રિગેડ ના માણસો ને નાતાલની સવાર એ જમા થયેલી ભીડ…એમ્બ્યુલન્સ પણ હતી…એનું હૃદય ધબકારા ચુકી ગયું, જિંદગી ફરી એક વાર એને હાથ તાળી આપી ગઈ હતી, છોકરાની ઠંડા પાણીમાં થીજેલી લાશ એ જોઈ શકે તેમ ન હતી…એના કદમો રોકાઈ ગયા એ પાછી વળી ને દોડવા માંડી…મુઠી ઓ વાળીને…
બગીચાની બેંચ નીચે મુકેલું પોતાની પર્સ લેવા એ પહોચી ત્યારે છોકરો ત્યાં બેઠો હતો એની રાહ જોતો, ઠંડી થર થર કામ્પતો…ને એના હાથમાં રાતા જાંબલી રંગ નું ફુલ હતું…નદીમાં ડૂબી ગયો તે રઈસ માણસનો કુતરો હતો….ઠંડી ને અંધારા માં સારું તરનારો કુતરો પણ ગોટે ચડી ગયો ને એક માણસ ની મુહોબ્ત્ત પાર ઉતરી ગઈ…નાતાલ ની રજા પછી છોકરી ને કોઈએ જોઈ નથી શહેર ના મોલ્સમાં…પહાડો તરફ જતી ગાડી ના ધુમાડાઓમાં એના રાતા જાંબલી રંગ ના સપનાઓ ફ્ગ્ફ્ગી રહ્યા હતા…
-પાર્થ
૨૪.૧૨.અગિયાર
સિડની શહેર




Sa..ras…hradaysparshi…